Google Search

Tuesday, October 2, 2012

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!



હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!

જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!

જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!

ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!

યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
- મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!

-’શેખાદમ’ આબુવાલા

No comments:

Post a Comment